રેકોર્ડ સર્જનારા કબૂતર 'જો'ની પાછળ પડી ગયું ઓસ્ટ્રેલિયા, પકડીને મોતને ઘાટ ઉતારશે
ઓસ્ટ્રેલિયામાં હાલ એક કબૂતર ચર્ચાનો વિષય બન્યું છે અને પ્રશાસન કોઈ પણ ભોગે તેને મારી નાખવા માંગે છે.
Trending Photos
કેનબરા: ઓસ્ટ્રેલિયામાં હાલ એક કબૂતર ચર્ચાનો વિષય બન્યું છે અને પ્રશાસન કોઈ પણ ભોગે તેને મારી નાખવા માંગે છે. વાત જાણે એમ છે કે આ કબૂતર અમેરિકાથી 13000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યું. તેને રેસિંગ કબૂતર કહેવાઈ રહ્યું છે. જે ભૂલથી ભટકીને 26 ડિસેમ્બરે મેલબર્ન પહોંચી ગયું. ઓસ્ટ્રેલિયન અધિકારીઓને ડર છે કે આ કબૂતરના આવવાથી તેમના દેશમાં બીમારી (બર્ડફ્લૂ) ફેલાઈ શકે છે. જેના કારણે પ્રશાંત મહાસાગર પાર કરીને આવેલા કબૂતરને હવે મારી નાખવાની યોજના ઘડાઈ રહી છે.
કબૂતરનું નામ Joe Biden ના નામ પર
મીડિયા રિપોર્ટ મુજબ 'જો' નામનું આ કબૂતર 29 ઓક્ટોબરના રોજ અમેરિકાના ઓરેગનથી એક રેસ દરમિયાન ગાયબ થયું હતું અને 26 ડિસેમ્બરે મેલબર્ન પહોંચી ગયું. મેલબર્ન રહિશ કેવિન સેલી બર્ડ(Kevin Celli-Bird) ને તેમના ઘરની પાછળ કબૂતર હાંફતું જોવા મળ્યું હતું. શક્ય છે કે આટલી લાંબી મુસાફરી ખેડવાના કારણે તે થાકી ગયું હતું. કેવિને જ કબૂતરનું નામ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના નામ પર 'જો' રાખ્યું હતું. કબૂતર અંગે મીડિયામાં અહેવાલો આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ક્વોરન્ટીન એન્ડ ઈન્સ્પેક્શન સર્વિસ હરકતમાં આવી ગઈ અને તેને દેશ માટે જોખમ ગણાવી દીધુ. કેવિન સેલી-બર્ડે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ તેમને ફોન કરીને કબૂતર પકડવાનું કહ્યું છે. જેથી કરીને કબૂતરને મોતને ઘાટ ઉતારી શકાય.
'Pigeonને અહીં રહેવાની મંજૂરી નથી'
વિશેષજ્ઞોને લાગે છે કે આ કબૂતર કોઈ માલવાહક જહાજના સહારે પ્રશાંત મહાસાગર પાર કરીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાના કૃષિ વિભાગે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ કબૂતરને અમારા દેશમાં રહેવાની મંજૂરી નથી. કારણ કે તેના કારણે ઓસ્ટ્રેલિયાની ખાદ્ય સુરક્ષા અને પોલ્ટ્રી ઉદ્યોગોની સુરક્ષા જોખમાઈ શકે છે. વિભાગનું તો એટલે સુધી કહેવું છે કે કબૂતરથી દેશની જૈવ સુરક્ષાને પણ જોખમ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સરકાર બીજા દેશોથી આવનારા પશુ પક્ષીઓને લઈને વધુ સતર્ક રહે છે. 2015માં હોલીવુડ સ્ટાર જ્હોની ડેપ અને તેમના પૂર્વ પત્ની એમ્બર હર્ડ તસ્કરી કરીને યોર્કશાયર ટેરિયર્સ બ્રીડના બે ડોગ્સ લઈને આવ્યા હતા. તેની જાણકારી મળતા જ પ્રશાસને ચેતવણી બહાર પાડીને કૂતરાઓને 50 કલાકની અંદર ઓસ્ટ્રેલિયાથી બહાર મોકલવાનું કહ્યું હતું. આ સાથે જ એવું પણ કહેવાયું કે જો આમ ન કર્યું તો પિસ્તોલ અને બૂ નામના બંને કૂતરાને મારી નાખવામાં આવશે.
મોતના ફરમાનથી નારાજ છે લોકો
કેવિનનું કહેવું છે કે તેમણે કબૂતરના માલિકની ભાળ મેળવી લીધી છે પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નથી. કેવિનના જણાવ્યાં મુજબ જ્યારે તેમણે કબૂતરને જોયું તો તે ખુબ નબળું જણાતું હતું. મેં તેના માટે પાણી અને કેટલુંક ખાવાનું રાખ્યું, ત્યારબાદ તેણે ત્યાં બેસવાનું શરૂ કરી દીધુ. જો કે તેને હું પકડી શકું એટલું તે મારી નજીક આવતું નથી. મેં અધિકારીઓને જણાવી દીધુ છે કે મારા માટે તેને પકડવું શક્ય બનશે નહીં. આ બાજુ પ્રશાસનના ફરમાન અંગે લોકોમાં નારાજગી છે. તેમનું કહેવું છે કે આટલા સાહસિક કબૂતરને કોઈ બીમારી છે કે નહીં તે જાણ્યા વગર મારવું ખોટું છે.
દુનિયાની સૌથી લાંબી ઉડાણ
મેલબર્ન પ્રશાસને કબૂતરને ખતરો ગણાવીને તેને પકડવા માટે પ્રોફેશનલ બર્ડ કેચરની મદદ લેવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયન નેશનલ પિજન એસોસિએશનના સચિવ બ્રેડ ટર્નરે કહ્યું કે કબૂતર અમેરિકાથી કોઈ નવા પ્રકારની વિદેશી બીમારી લાવી શકે છે, આથી તેને મારવું ખુબ જરૂરી છે. કહેવાય છે કે કોઈ પણ કબૂતરે આજ સુધી આટલું મોટું અંતર કાપ્યું નથી. આવું પહેલીવાર બન્યું છે કે કોઈ કબૂતરે આટલા વધુ અંતરની મુસાફરી કરી. આ અગાઉ કોઈ પણ કબૂતરે 13000 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો નથી. કબૂતરપીડિયા ડોટ કોમના જણાવ્યાં મુજબ 1931માં એક કબૂતર ફ્રાન્સના અર્રાસથી ઉડીને વિયેતનામના સોઈગાન પહોંચ્યું હતું. તેણે કુલ 11600 કિલોમીટરનો પ્રવાસ ખેડીને 24 દિવસમાં પોતાની મુસાફરી પૂરી કરી હતી. 'જો'એ 13000 કિમી સુધી ઉડાણ ભરીને આ રેકોર્ડ તોડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે